મમ્મીનો માસ્ટરપીસ

યોગેનભાઈ ત્રણથી ચાર વખત ડોરબેલ વગાડી. નીલાબેન દરવાજો ન ખોલ્યો. નીલા બહાર ગઈ છે તો મોબાઈલ કેમ નથી ઉપાડતી ? પાડોશી પાસેથી ચાવી લઈને ઘર ખોલ્યું આ શું ! નીલા ઘરમાં જ હતી. બાલ્કનીમાં બેઠી હતી આંખો બંધ કરીને. સાંજના સાત વાગ્યા હતા, પણ નહોતી તેણે લાઈટ કરી કે નહોતો મંદિરમાં દીવો પ્રગટાવ્યો. રસોઈ પણ નહોતી કરી. યોગેનભાઈએ જોયું નીલાની આંખોમાં આસું હતા. આ લગભગ રોજનો ક્ર્મ થઈ ગયો હતો.

એકાદ મહિના પહેલાં લાવણ્યના લગ્ન અનિકેત સાથે થયા હતાં. યોગેનભાઈ અને નીલાબેનનું એક્માત્ર સંતાન લાવણ્ય. અત્યાર સુધી નીલાબેનના જીવનમાં કેન્દ્રસ્થાને લાવણ્ય હતી. તેનો ઉછેર, ભણતર, તેના મિત્રો, તેનો સમય સાચવવાનો ને એક દિવસ જિન્સ પહેરતી દીકરી પાનેતર પહેરીને અમેરીકામાં સેટલ થઈ ગઈ કાયમ માટે. આ વાત નીલાબેન જીરવી ન શકયા. અચાનક જ જીવન સદંતર ખાલી લાગવા માંડયું નીલાબેનને. યોગેનભાઈ બિઝનેસમાં કાર્યરત. ઘરમાં એકમાત્ર પોતે અને સુનયનાબાઈ. હમણાં હમણાં તો તેને ટીબી થઈ ગયો હતો એટલે તે પણ આવી નહોતી શકતી.

યોગેનભાઈને તેમની ચિંતા થવા લાગી. આવી જ રીતે જો હજી થોડાં વધારે દિવસ ચાલશે તો નીલા કયાંક ડિપ્રેશનમાં ન સરી પડે ! યોગેનભાઈએ વિચાર્યું કાલે સવારે ઓફિસે જતાં પહેલાં નીલાને થોડું સમજાવવું છે કીટી પાર્ટી કે પછી કોઈક ગ્રુપમાં જોડાઈ જા. તેને પેઈંન્ટીંગ ખૂબ ગમે છે, પણ હમણાં હમણાં કેન્વાસ બોર્ડ સૂનું પડી ગયું હતું. નીલાબેન હાથમાં પીંછી લેવાનું જ ભૂલી ગયા હતા. જાણે જિંદગી સાવ રંગ વગરની થઈ ગઈ હતી એમની. બીજે દિવસે યોગેનભાઈ વાત કરવાના જ હતા, ત્યાં જ ઘરની ડોરબેલ રણકી. યોગેનભાઈએ દરવાજો ખોલ્યો, ‘અરે સુનયના તું ? તબિયત બરાબર થઈ ગઈ ?’
‘ના સાહેબ, તબિયત બરાબર નથી એટલે જ તાઈ સાથે વાત કરવા આવી છું.’ નીલાબેને જોયું સુનયના ખૂબ નબળી ને ફિક્કી પડી ગઈ હતી,
‘તાઈ, ડૉ. એ આરામ કરવાનું કીધું છે એટલે મુલુક જાઉં છું. થોડાક દિવસ હવાફેર થઈ જાય ને મારી દીકરી તમારે ત્યાં કામ કરી જશે.’

તે પોતાની દીકરી સાથે જ લાવી હતી. યોગેનભાઈ ને નીલાબેન તેને જોતાં હતાં. ઘઉંવર્ણી, નમણી, ખભા સુધીના લાલ રિબનમાં બાંધેલા ચોટલા, મોટી મોટી નિર્દોષ આંખો. નીલાબેને સુનયનાને પૂછ્યું, ‘કેટલા દિવસ લાગશે ?’
‘એકાદ મહિનો તાઈ…’ સુનયનાએ સંકોચ સાથે જવાબ આપ્યો.
‘સુનયના, આને આવડશે શું તે તું..’ નીલાબેન અકળાઈને બોલ્યા. ‘તેને ખાસ કામ નથી આવડતું પણ તમે એને એક જ વાર બતાવશોને તો તરત આવડી જશે. ના નહીં પાડતાં તાઈ… પગાર જશે તો મને તાણ પડશે…’ સુનયનાબાઈ કરગરીને બોલી. પેલી છોકરી તેની મા સામે ટગર ટગર જોતી હતી. યોગેનભાઈથી ન રહેવાયું, ‘ઠીક છે ભલે આવતી. શું નામ છે ?’ દેવલી…’ પેલી છોકરી બોલી. સુનયનાબાઈએ હાથ જોડી તેમનો આભાર માન્યો. દેવલી ચૂપચાપ બધી વાતો સાંભળતી ઊભી હતી. નીલાબેન કાંઈક બડબડ કરતા રસોડામાં ચાલ્યા ગયા. યોગેનભાઈ તરત જ ત્યાં ગયા, ‘શું થયું નીલા ? કેમ આટલી ગુસ્સે થઈ ગઈ ?’ શું તમે કહી દીધું ભલે આવતી. નથી તેને કામ આવડતું, નથી રસોઈ આવડતી…’ નીલાબેનનો ગુસ્સો સાતમા આસમાને હતો.
‘શીખી જશે નીલા આ નહીં આવે તો તું બીજી બાઈ શોધવા કયાં જઈશ ?’ યોગેનભાઈ બોલ્યા.
‘શું નાના છોકરા જેવી વાતો કરો છો ! એની ઉંમર તો જુએ એ થોડી ઘરનું બધું જ કામ કરી શકવાની હતી ?’

યોગેનભાઈએ આ વિવાદનો અંત પોતાનું મન છાપામાં પરોવીને આણ્યો. સુનયનાબાઈ તો દેવલીને મૂકીને ચાલી ગઈ હતી. તે હજી પણ ચૂપચાપ ઊભી બંનેની વાતો સાંભળતી હતી. નીલાબેને ઈશારાથી તેને પોતાની પાસે બોલાવી, ‘દેવલી, તને બધું કામ ફાવશે ?’
‘શું ?’ દેવલીએ પોતાની મોટી મોટી આંખો પટપટાવતા પૂછયું.
‘ઝાડુ-પોતાં, વાસણ ?’ નીલાબેને પૂછયું.
‘તાઈ, હું તો નાની હતી ત્યારથી બધું કામ કરું છું.’
નીલાબેન તેના તરફ જોઈ હસતાં હસતાં બોલ્યા, ‘તને કોણે કીધું કે તું મોટી થઈ ગઈ છે ?’
‘મને બધું કામ આવડે છે એટલે હું મોટી જ થઈ ગઈ એમ કહેવાય ને ?’ દેવલી લટકો કરતાં બોલી. બંને વચ્ચેનો વાર્તાલાપ સાંભળીને યોગેનભાઈ ને હાશ થઈ. હવે ખાસ વાંધો નહીં આવે એવું તેમને લાગ્યું. નીલાબેને તેમના તરફ જોતાં કહ્યું, ‘ભણવાની ઉંમરે તેના માથે કામ કરવાની જવાબદારી આવી પડી છે ને તે છતાં પણ છોકરી કેવું હોંશથી બોલે છે કે હવે તો મોટી થઈ ગઈ છું !’ યોગેનભાઈએ છાપું બાજુ પર મૂકતાં કહ્યું, ‘નીલા, તારી વાત સાવ સાચી છે. ગરીબી માણસને કાંઈપણ કામ કરવા મજબૂર કરી દે છે ને સાથેસાથે તન અને મનથી મજબૂત પણ કરી દે છે. જયારે પૈસાદાર માણસો બાળક સામે બધું વેરીને તેના વેરી બની જાય છે.’

‘સાચી વાત છે તમારી…’ નીલાબેને પ્રત્યુતર આપ્યો. દિવસો વીતતા જતાં હતા. પૂરો એક મહિનો વીતી ચૂકયો હતો – દેવલીને આવ્યાને. એક મહિનામાં તો દેવલી દૂધમાં સાકર ભળે તેમ ભળી ગઈ હતી. ઝાડુ-પોતાં, વાસણ ઘરની સફાઈ, અનાજ સાફ કરવાનું, દળવાનું, વસ્તુ-શાકભાજી લઈ આવવાનું આ બધું જ કામ તે કરી લેતી. નટખટ નાદાન, રમતિયાળ દેવલીને આટલી એવી કુમળી વયે તે કોઈના ઘરે કામવાળી બનીને આવી છે તે સમજણ તો કયાંથી હોય ? એટલે ઘણીવાર તો તે કામ પડતું મૂકીને બિલ્ડીંગના બાળકો સાથે રમવા દોડી જતી. આવા વર્તનથી નીલાબેન ચિડાતા પણ યોગેનભાઈ મનમાં ને મનમાં ખુશ થતાં હતાં. પહેલા નીલા સાવ ચૂપચાપ રહેતી હતી જયારે હવે દેવલીના આવવાથી આખો દિવસ તે વ્યસ્ત થઈ ગયા હતા.

લાવણ્ય ફોન કરતી ત્યારે પણ તેની વાતોમાં દેવલી આમ ને દેવલી તેમ… આવા ચાર-પાંચ વાર વાકય તો આવી જ જતાં. દેવલીએ અહીં સ્વતંત્રતા મળતી હતી એટલે તે દિવસે ને દિવસે ખીલતી જતી હતી. નીલાબેન અને યોગેનભાઈની લાગણીને લીધે તે નોકરાણી છે એ વાતનો તેને ખ્યાલ જ નહોતો. તે કયારેક ટીવી સામે ગોઠવાઈ જતી તો કયારેક રમવા દોડી જતી. નીલાબેન તેની નાદાનિયતને નજરઅંદાજ કરી લેતાં. આજે પણ દેવલી આરામથી કાર્ટૂન નેટવર્ક જોતી હતી. રસોડામાંથી નીલાબેને તેને બૂમ પાડી પણ દેવલીએ જવાબ ન આપ્યો. ફરી નીલાબેને બૂમ પાડી, ‘દેવલી… ઓ… દેવલી સાંભળે છે કે નહી ? જરા અહીં આવ તો…’ દેવલી તો ટોમ એન્ડ જૅરી જોવામાં મશગૂલ. અકળાયેલા નીલાબેને રસોડામાંથી બહાર આવીને જોયું કે દેવલી આરામથી કાર્ટૂન નેટવર્ક જોઈ રહી હતી.
‘દેવલી, ચાલ હવે ટી.વી. બંધ કર… જો કેટલું બધું કામ પડયું છે ને તું…’
દેવલીએ હાથમાં રીમોટ હલાવતાં હલાવતાં જવાબ આપ્યો, ‘તમારું કામ બાકી હોય તો તમે કરો, મેં તો મારું બધું જ કામ કરી નાખ્યું છે.’

કામવાળી માલિક બની માલિકને કામ ચીંધે એ રીતની દેવલીની વાત સાંભળીને નીલાબેન હેબતાઈ ગયા. તેને ગુસ્સો તો આવ્યો પણ કરવાનું શું ? દેવલી હજુ પણ ટીવી જોતી હતી. નીલાબેને કહ્યું, ‘લાવ રીમોટ મને આપ તો.’
‘નહીં આપું…’ દેવલી જીદ ભર્યા અવાજે બોલી.
‘અરે… આપને ! નહીં તો મારીશ તને…’ નીલાબેને તેને ધમકી આપી.
‘નહીં આપું જાવ…’ કહીને રીમોટ લઇને દેવલી બહાર દોડી ગઈ. તે ઘરના મુખ્ય દરવાજા પાસે જઈને ખિલખિલાટ હસતી હતી. નીલાબેને અકળામણ સાથે કહ્યું, ‘મને હેરાન ન કરીશ, નહીં તો તેને મૂકી આવીશ તારા ઘરે !’ ઘરનું નામ પડતાં જ તેની દુખતી નસ દબાઈ ગઈ હોય તેમ તે ચૂપ થઈ ગઈ. દારૂડિયો બાપ, માની ગેરહાજરી અને આખો દિવસ મારપીટ કરતો ભાઈ એટલે ત્યાં તેનો શ્વાસ રુંધાતો હતો. તેણે ચૂપચાપ રીમોટ નીલાબેનને આપી દીધું અને કામ કરવા રસોડામાં દોડી. નીલાબેન દેવલીની પાછળ દોડીને હાંફી ગયા હતા. તે સોફા પર બેસી ગયા. સામે જ કેન્વાસ બોર્ડ ને પીંછી પડયા હતા. કેમ જાણે નીલાબેનને બોલાવતાં ન હોય ! નીલાબેન હળવેકથી ઊઠયા, કેટલાંયે મહિના પછી પીંછી હાથમાં લીધી પણ તેમના મગજમાં વિચારોનું ઘમ્મરવલોણું ચાલુ થઈ ગયું હતું. અઠવાડિયા પહેલીની વાત હતી. દેવલી આવી ત્યારે તેની ડાબી આંખે સહેજ સોજો લાગતો હતો. નીલાબેનને નવાઈ લાગી. તેમણે તરત જ પૂછ્યું, ‘દેવલી, શું થયું તને ?’

‘તાઈ, કાંઈ જ નથી થયું ઈ..તો…ઈ..તો..હું પડી ગઈ’ દેવલી કહ્યું નીલાબેનના ગળે જવાબ ઉતર્યો નહીં. દેવલી વાસણ ધોતાં ધોતાં રડતી હતી એ નીલાબેનથી છાનું ના રહ્યું. તરત જ તેમણે પૂછયું, ‘તું સાચું કહેજે શું થયું ?’ દેવલીએ ફ્રોકના ખિસ્સામાંથી એક કાગળનો ડૂચો કાઢયો અને નીલાબેનના હાથમાં આપ્યો. તે કાગળનાં ડૂચામાં એક સુંદર ચિત્ર દોરેલું હતું. ઊંચા ઊંચા પર્વતો, વહેતું ઝરણું, પર્વત પર નાનું મંદિર, સરસ મજાનું ઘર. હજી નીલાબેનને વાતની ગડ નહોતી બેસતી. દેવલીએ કહ્યું, ‘તાઈ, મને પણ તમારી જેમ ચિત્રો દોરવા બહુ ગમે, તો કાલે રાતના ચિત્ર દોર્યું. બાબાને લાગ્યું ભાઈની નોટમાંથી કાગળ ફાડીને લીધો એટલે તેમને ખૂબ ગુસ્સો આવ્યો બાબાએ મને મારીને ઘરની બહાર કાઢી મૂકી.

‘તો તું કયાં સૂતી દેવલી ?’ નીલાબેનથી લગભગ ચીસ પડાઈ ગઈ.
‘ઓટલા સૂઈ ગઈ તાઈ, પણ આ કાગળ તો બહાર ઊડયો હતો એટલે મેં લઈ લીધો શપથ…’ નીલાબેન આ ભોળી છોકરીને જોઈ રહ્યા. તેને લાગતું હતું કે કાગળમાં ચિત્ર દોર્યું એટલે તેને મારી પણ ખરી રીતે તો તેને બાપે ભણતી ઉઠાડી લીધી હતી. છોકરી જાત ભણીને આગળ આવે અને તેનો કલૈયો કુંવર રઝળપાટ કરે તો લોકોમાં હાસી થાય ને… તે તેના દારૂડિયા બાપને ચાલ્યું નહીં. ભણતર ભલે મ્યુનિસિપાલિટી શાળામાં મફત હોય છતાં તેની નોટબુક, પેન્સિલ, ચોપડાનો મામૂલી ખર્ચ તેના દારૂડિયા બાપને ભારે પડી ગયો. સુનયનાબાઈ તો પતિના હાથનો માર ખાઈને પણ દેવલીને ભણાવતી હવે તેની ગેરહાજરીમાં બાપે પોતાનું મનફાવતું કર્યું. ઘરની ડોરબેલ નીલાબેનને વિચારોની તંદ્રામાંથી જગાડી દીધા. તે પીંછી મૂકીને દરવાજો ખોલવા ગયા.

ચા પીતાં પીતાં તેમણે યોગેનભાઈને દેવલીના તોફાનોની વાત કરી. તેમની સાથે મસલત કરી દેવલીને ઘરે નહીં મોકલવાનું નક્કી કર્યું. દેવલી તો બિચારી રાજી રાજી થઈ ગઈ પણ હરામ બરોબર જો તેના બાબા કે ભાઈએ તેની ભાળ કાઢી હોય તો… દેવલીના નવા શેઠ શેઠાણી તેને હવે પોતાના ઘરે રાખે છે એ વાતને લીધે તેમને તો બલા ટળી એવું લાગ્યું. દેવલી તો ચા આપીને ચાલી ગઈ હતી. આજે તો સાચે તેણે હદ કરી નાખી હતી. તેણે અડધુંપડધું કામ કર્યું હતુ અને મનભરીને રમ્યા પછી તે વાસણ ઘસ્યા વગર જ સૂઈ ગઈ હતી. નીલાબેનને કાયમ કમરનો દુઃખાવો રહેતો પણ આજે રાતના વાતાવરણમાં સહેજ ઠંડક ભળી હતી એટલે દુખાવો વધારે હોવાના કારણે થોડુંક કળતર જેવું લાગતું હતું. સૂઈ ગયેલી દેવલી પર તેમને ગુસ્સો આવતો હતો. રસોડું સાફ કરતાં કરતાં એ મનોમન વિચારી રહ્યા હતાં કે અંતે તો કામવાળીની જ જાત ને. એને આમ માથે ચડાવાય જ નહીં. રોજે અડધુંપડધું કામ કરે, કામ કરવામાં નખરા કરે થોડું ચાલે ? આજે તો વાસણ ઘસવા જ નથી. જોઉં છું કેમ નથી ઉઠતી તે ? દેવલીનો હાથ ઝાલીને નીલાબેન બોલ્યા, ‘દેવલી, ઓ દેવલી… ઊઠ આ વાસણ સાફ કરવાના છે. તું ઊઠે છે કે…’ દેવલી પડખું ફરી. ‘ઊઠ.. ને દેવલી… સાંભળે છે કે તું…’ ઊંઘમાં ને ઊંઘમાં જ તે બબડી, ‘કાલે ઘસી લઈશ.’

બાજુમાં પડેલી આરામખુરશી પર અકળાયેલાં નીલાબેન બેસી ગયા. સામે ટીવી સ્ક્રીન પર અને સાથે નીલાબેનની દ્રષ્ટિ સામે પણ દ્રશ્યો બદલાતા જતાં હતાં. ચાર વાસણ ઘસવા માટે આટલો બધો ગુસ્સો આ નાનકડી છોકરી પર ? શું થઈ ગયું છે મને ? લાવણ્ય જો કામ કર્યા વગર સૂઈ જાય તો હું એની માટે સવાર સુધી વાસણ રાખત ? નહીં ને તો પછી આ બાળકી માટે આવો અન્યાય કેમ ? હળવેકથી તે દેવલીની પથારી પાસે બેઠા. ઊઘડતી કળી જેવી દેવલી નિરાંતે નીંદર માણતી હતી. તેમણે તેના કપાળે હાથ ફેરવ્યો ને પાછાં રસોડામાં ગયા. વાસણ ઘસવાનાં ખડખડ અવાજથી અડધી ઊંઘમાંથી જાગી ગયેલા યોગેનભાઈ બહાર આવ્યા. તેમણે ઘડિયાળ સામે જોયું ને બોલ્યા, ‘કેમ આટલા મોડા વાસણ ઘસવા બેઠી નીલા ? દેવલી કરી નાખશે સવારે’ ‘ના, દેવલી હવે કામ નહીં કરે’ નીલાબેને કહ્યું. ‘કેમ ?’ યોગેનભાઈને લાગ્યું કાલે દેવલીની છુટ્ટી થઈ જવાની. ‘બસ, એમ જ…’ નીલાબેને કહ્યું.
‘શું થયું નીલા કહે તો ખરી.’ યોગેનભાઈ ખરેખર વિમાસણમાં પડી ગયા હતા. વાસણ ધોઈને નીલાબેન યોગેનભાઈ પાસે આવીને બેઠાં,
‘યોગેન કોણ જાણે કેમ મને એના પર વ્હાલ ઉપજે છે. ચીંધેલું કામ ન કરે તો ગુસ્સો આવી જાય છે, પણ સાથે સાથે તેને કામ કરતી જોઉં છું તો મન દુભાય છે અને મારી જાતને કોસ્યા કરું છું કે સાવ નાનકડી છોકરી પાસે હું કામ કરાવું છું તે વારેઘડી બિલ્ડીંગના તેની ઉંમરના બાળકો સાથે રમવા દોડી જાય છે. ગોલાવાળો આવે તો ત્યાં જઈને ઊભી રહી જાય છે. હું કેન્વાસ પર ચિત્રો દોરું તો એકીટશે જોયા કરે છે. કાર્ટૂન નેટવર્કના બધા પ્રોગ્રામ હવે મને મોઢે થઈ ગયા છે એને લીધે. મને મારી લાવાણ્ય જ દેખાય છે એનામાં.’ ત્યાં જ બંને એકી સાથે બોલી ઉઠયાં,
‘જો આપણે દેવલીને સ્કૂલે મોકલીએ તો ?’
‘કાલે જ નજીકની સ્કૂલમાં તેનું એડમિશન કરાવી દઉં છું…’ નીલાબેન યોગેનભાઈની વાત સાંભળીને મરક મરક હસી પડયા.

બીજે દિવસે યોગેનભાઈ ઓફિસેથી ઘરે આવ્યા ત્યારે તેમના હાથમાં ડ્રોઈંગબુક, કલર, પેન્સિલ વગેરે હતું. ‘દેવલી કયાં છે તું ?’ યોગેનભાઈ ઉત્સાહથી બોલ્યા. તે દોડતી આવી. પેન્સિલ ડ્રોઈંગબુક જોઈને તે ખુશ થઈ ગઈ. યોગેનભાઈ પાસેથી વસ્તુઓ લઈને શરમાતી શરમાતી તે રસોડામાં ભાગી. નીલાબેને યોગેનભાઈની ઓફિસબેગ બાજુમાં મૂકતાં કહ્યું, ‘આ બેનબા માટે એડમિશન ફોર્મ લાવ્યા ?’
‘હા… લાવ્યો પણ ચા તો બનાવ નીલા.’
‘પહેલા એડમિશન ફોર્મ ભરીએ પછી વાત’ નીલાબેને ઉતાવળા થઈને દેવલીને બૂમ પાડી. દેવલી હાથમાં કલરપેન્સિલ સાથે બહાર આવી.
‘તારે ભણવા જવું છે ને ?’ નીલાબેનનો આ સવાલ સાંભળીને ડરી ગઈ કારણ કે તે જયારે પણ ભણવાનું નામ ઘરમાં લેતી ત્યારે તેનો ભાઈ મારતો, વાળ ખેંચતો.

દેવલીએ ના પાડી, ‘ના…ના… તાઈ મારે ન..થી..ભ..ભણવું. હું..હું કામ કરીશ બધું બરાબર… રમવા નહીં જાઉં તાઈ..’ નીલાબેને પ્રેમથી માથે હાથ ફેરવ્યો. આંખોમાંથી દડદડ પડતા આંસુને તેમનાં પાલવથી લૂછીને કહ્યું, ‘દેવલી ભણીગણીને આગળ વધ… આ ઝાડુ-પોતાં, વાસણમાં જિંદગી ન કઢાય બેટા… તારું સ્કૂલમાં જવાનું ફોર્મ આવી ગયું છે. હવે તારું પૂરું નામ, ઉંમર બધું લખાવ.’ ‘દેવાંશી…’ દેવલીએ અચકાતાં અવાજે કહ્યું. નીલાબેને દેવલીની સામે જોયું અને બોલ્યા, ‘દેવાંશી ! અરે વાહ ! કેટલું સરસ નામ છે. બોલીએ તો ફૂલ ઝરતા હોય તેવું લાગે છે.’ કાંઈક વિચારીને તે બોલ્યા, દેવલી.. નહીં દેવાંશી, તું હવેથી તાઈ નહી આઈ કહેજે મને… મને ગમશે બેટા… દેવલી તો ફોર્મ ભરાવીને ખુશખુશાલ મને રમવા ચાલી ગઈ. નીલાબેને કહ્યું, ‘હવે તે દેવલી નથી; દેવાંશી છે.’ ‘યસ મેડમ…’ યોગેનભાઈએ કહ્યું.

સમય પાંખ લગાવીને ઊડતો રહ્યો. વર્ષો વીતતાં ગયા. દેવાંશી B.com થઈ ગઈ હતી. તેણે સુનયના આઈના ફોટાને હાર ચડાવી પ્રણામ કરીને L.L.B નું એડમિશન ફોર્મ ભરવાનું શરૂ કર્યું. તેણે તેના સુંદર મરોડદાર અક્ષરોમાં દેવાંશી યોગેન મહેતા લખ્યું ત્યારે યોગેનભાઈને હષાશ્રુ આવી ગયા. વર્ષોની તેની તપસ્યા સફળ થઈ હતી. દેવલી નામની ઢીંગલીના જીવનમાં તેમણે શિક્ષણરૂપી દીવો પ્રગટાવીને મજૂરી નામના કાટને દૂર કર્યો હતો. ત્યાં જ લાવણ્યનો ફોન આવ્યો, ‘મમ્મી…Many Congraulations આંતરરાષ્ટ્રીય સ્તરે તારા પેઈન્ટીંગને ઈનામ મળ્યું… મૉમ યુ આર ગ્રેટ’ તેની સાથે વાત કરતાં કરતાં નીલાબેનનાં ગળે લાગણીનો ડૂમો બાજી ગયો હતો. લાવણ્યે તેની મમ્મીનો મૂડ બદલવા મીઠી મશ્કરી કરી લીધી,
‘મમ્મી, દેવલી જ તારું માસ્ટરપીસ છે હં…કે.’ ત્યારે દેવાંશીએ વાતમાં હકાર પુરાવ્યો,
‘લાવણ્ય દી’, તમારી વાત સાવ સાચી છે. મારી જિંદગી સાચે કેન્વાસ બોર્ડ જ હતી. સાવ કોરી. સારા અને સાચા રંગો આઈ અને પપ્પાએ જ ભર્યા તો થઈ ને હું મમ્મીનું માસ્ટરપીસ.’

આ વાત સાંભળી નીલાબેને દેવાંશીના કપાળે હળવી ચૂમી ભરી તેના દુખણા લીધા ને હેતથી હાથ ઝાલીને કહ્યું, ‘જિંદગી તો અમારી કોરી થઈ ગઈ’તી. તું આવીને મેઘધનુષ બની ગયું દીકરા…’ લાવણ્ય ફોન પર આઈ અને દેવુની જુગલબંદી સાંભળીને ખિલખિલાટ હસી પડી. યોગેનભાઈ ડીજિટલ કેમેરામાં નાજુક ક્ષણોને કેદ કરવામાં લાગી ગયા ને મમ્મીના માસ્ટરપીસને ‘શિવાસ્તે ત્તવ પંથાઃ’ ની દુઆ આપવામાં…

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s